Friday, May 2, 2014

hampi alone

કદાચ હસવું આવશે પણ હા, ઘણા સમય ની મારી "હમ્પી" જવાની ઈચ્છા આખરે મેં પૂરી કરી અને એ પણ એકલા. ઘણા લોકોએ જોકે હમ્પી નું નામ પણ નહી સાંભળ્યું હોય તો જણાઈ દવ કે વિકિપીડિયા માં એને વિશે વાંચી લ્યો.

મે 1 ની રજા માં 2 દિવસ "મારે જ્યાં ઈચ્છા હોય ત્યાં" બ્હાર જવાય એમ હતું, આમ ભાર દઈને એટલા માટે કવ છું કે પતી-પત્ની ના ફરવા બાબત ના વિચારો ભાગ્યેજ મળતા હોય છે અને જો મળે તો કેવાય ને "જોડી સ્વર્ગ માં બની છે"  એમ સમજવું. કહેવાનું તાત્પર્ય એ કે હાલ વૃતીકા-રુત્વા થોડા દિવસ માટે વેકેસન પર ગુજરાત ગયેલ હોઈ હાલ હું એકલોજ છું.

તો આગળ વધીએ, રજા ના 2 દિવસ અગાઉ એટલે કે 29 એપ્રિલે તત્કાલ માં  હૈદરાબાદ થી હમ્પી 30 એપ્રિલે જવાની ટ્રેન ટીકીટ બૂક કરી, દરવખત ની જેમ આ વખતેક પણ એ કન્ફર્મ ના થઇ ને આખરે જનરલ ની ટિકટ લઇ ડબ્બા માં ચડી ગયો. મિત્રો ની સલાહ પ્રમાણે જોકે મારે સ્લીપર માં ચડી ને માસ્તર ને ફોડવાના હતા પણ પછી થયુ કે ભાઈ કોઈ સારા કામ ની શરૂઆત આમ ખરાબ દાનત થી કેમ કરીએ. આખરે જનરલમાં લટકતો લટકતો ને અજાણ્યા લોકો જોડે દેસ વિદેસ ના ગપ્પા લગાવતો હમ્પી સવારે વહેલો પહોંચી ગયો. ઉતર્યો ત્યારે પહેલી ચિંતા મને મારા ઘર ની ગેલેરી માં રેઢા મૂકી દીહેલ તુલસી, મોગરો અને મીઠા લીમડા ની થઇ, ભગવાન ને પ્રાર્થના કરી બે દિવસ એમને સાચવી લેજો ને પહોચીને તુંગભદ્રા નદી નું પાણી એમને પીવડાવીસ.

હમ્પી બે દિવસ રોકવાનો પ્લાન હતો અને પ્લાન પ્રમાણે પહેલા દિવસે હમ્પી અને હમ્પી ના ઈતિહાસ ને જાણવાનો ને બીજા દિવસે મારી રીતેજ હમ્પી ખોળવાનો હતો. બસ તો પ્લાન મુજબ પહેલા દિવસે મેં સરકારી લાઇસન્સ વાળો ભોમિયો પકડી લીધો ને એની જોડે સવાર થી સાંજ સુધી માં આખું હમ્પી ફેંદી લીધું. હમ્પી ઉનાળા માં બહુજ ગરમ હોય છે એટલે બપોરનો સમય આરામ માજ રહ્યો પણ ઇતિહાસ અને ત્યાં ના તૂટેલા ને બચી ગયેલા સ્મારકો, એની કળા કૃતિઓ અને આર્કીટેક્ચર એટલું ભવ્ય લાગ્યું કે આરામ કરવાનું મન જ ના થયું.સાંજ પડતા પેલા જનરલના ડબ્બા નો ઉજાગરો રંગ દેખાડવા લાગ્યો એટલે સાત વાગ્યે જે મળ્યું એ ખાવાનું પરબારું કરી નાની રૂમ ભાડે રાખી સુઈ ગયો.

બીજા દિવસે પૂરો આરામ કરી વહેલો ઉઠ્યો ને ચાલી નીકળ્યો, માર્ગ માં મારા જેવોજ એક ભેરુ મળ્યો જે પણ હમ્પી એકલાજ ફરવા આવેલો ને ચાલતા ચાલતા દોસ્તી થઇ ગઈ, સવાર નો સમય માતંગ પર્વત ચડવા માં કાઢ્યો ને કાલ ના જોવેલા સ્થળો માં જે સારા લાગ્યા એને સ્કેચ કરવામાં કાઢ્યો. હા આજે બવ ચાલવું ના પડે એટલે અમે નાનું સ્કુટર ભાડે લઇ લીધેલું. આમ ફરતા ફરતા એક વાગ્યો ને એ મિત્ર ગલી ખાંચે અંદર નાનકડી જગ્યા માં બવ મધુરું ભોજન કરવા લઇ ગયો. એ મિત્ર ને હમ્પી જોડે એટલો પ્રેમ હતો કે આ એની ત્રીજી વારની હમ્પી ની મુલાકાત હતી. જમી પરવારી અમે તુંગભદ્રા નદી ના ઘાટ પર પહોચી ગયા, ત્યાં ગામના લોકલ માણસો મસ્ત મોજ કરતા હતા ને અમે પણ એમની જોડે તુગભદ્રમાં ધબુકા લાગવા માં લાગી ગયા. હર ધબુકે હું વિચારતો કે ભાગ્યશાળી છું કે એ  નદી કે જ્યાં ભગવાન શ્રી રામ-સીતા ન્હાયા હશે, એ નદી કે જ્યાં શ્રી હનુમાને એમના મિત્રો જોડે મોજ કરી હશે, એજ નદી માં અમને પણ ન્હાવાની અને મોજ કરવાનો મોકો મળ્યો. આમ જોવો તો તુંગભદ્રા નદી બહુ તોફાની છે ને ઉનાળા સિવાય ત્યાંનો તટ બહુ ઉંડો હોઈ બીજી કોઈ ઋતુ માં તટ પર ન્હાવા પડવાની પણ માનાઈ છે. બસ તો આમ ધબુકા લગાવતા લગાવતા બપોર થી સાંજ ક્યારે પડી એ ખબર જ ના રહી ને મારો પાછો હૈદરાબાદ જવાનો સમય થઇ ગયો.

મન્નત મુજબ તુંગભદ્રા નું પાણી એક બોટલમાં ભર્યું ને પછી બસ પકડી હૈદરાબાદ જવા નીકળી પડ્યો, મુસાફરી આખી રાતની હતી પણ દિવસ નો થાક ને બે દિવસ ની મોજ અને હમ્પી ના ઇતિહાસ ના વિચારો માં ક્યાં હૈદરાબાદ વહેલી સવારે આવી ગયું ખબરજ ના પડી, અને હા આટલી ગરમી હોવા છતાં ભગવાને મારા તુલસી, મોગરો અને મીઠા લીમડા ને સહી સલામત રાખ્યા એટલે તુંગભદ્રા નું પાણી એ ત્રણેય ને આપી જીવ ને થોડી શાંતિ થઇ.